ફસાયેલી રાજકોટની યુવતીની આપવીતી: ‘બહાર જઈએ તો પાછા આવવાની કોઈ ગેરંટી નહીં!’, ‘એ 7 મિનિટમાં ઘરના બધા યાદ આવી ગયેલા’
‘હું અત્યારે અહી ‘બેત યામ’માં છું, ગાઝા બોર્ડરથી ફક્ત 1 સિટી દૂર. ગાઝા પછી એક સિટી છે અને એના પછી બેત યામ. અહીં અમારી બાજુના સિટીમાં થોડોપ્રોબ્લેમ છે. હમણાં જ મારે એ સિટીના એક મિત્ર સાથે વાત થઈ તો એણે કહ્યું કે, અત્યારે અહીં પરિસ્થિતિ વધારે ખતરનાક છે. આતંકવાદીઓએ ઘણું ફાયરિંગ કર્યું છે અને ઘરોમાં પણ તોડફાડ કરી છે. સરકારનો અમને મેસેજ આવી ગયો છે કે, નેક્સ્ટ વીકમાં પરિસ્થિતિ ઓર વણસી શકે છે, તો ખાવા-પીવાનો બધો સ્ટોક કરી રાખજો. અત્યારે હું જ્યાં બેઠી છું, એનું પણ નક્કી નથી, કઈ સેકન્ડે અહીં ધડાકા થાય. થોડી થોડી વારે અહીં ધડાકા થાય છે.’
ઇઝરાયલમાં બેઠાં બેઠાં વીડિયો કોલ દ્વારા અમને આ વાત કહી રહ્યાં છે સોનાલીબેન ગેડિયા… જેઓ મૂળ રાજકોટનાં જ છે. યુદ્ધના કારણે ઈઝરાયેલની પરિસ્થિતિ અત્યારે કેવી છે એ વિશે તો તમને ખ્યાલ હશે જ… જ્યારે પણ બે દેશો વચ્ચે યુદ્ધ થાય ત્યારે કચ્ચરઘાણ ત્યાંના નાગરિકોનો બોલતો હોય છે, તો ઇઝરાયલના નાગરિકોની હાલમાં કેવી પરિસ્થિતિ છે? શું ચાલી રહ્યું છે ત્યાં ગ્રાઉન્ડ લેવલ પર, મિસાઈલો પડવાના ભય વચ્ચે કેવી રીતે જીવી રહ્યા છે ત્યાંના લોકો? ઇઝરાયલમાં સ્થાયી ભારતીયોની અત્યારે હાલત કેવી છે? તમારા આ બધા જ સવાલોનો આંખે દેખ્યો હાલ જાણવા ‘દિવ્ય ભાસ્કર’ એપ દ્વારા આજે ઇઝરાયલમાં સ્થાયી અને મૂળ રાજકોટનાં જ સોનાલીબેનનો સંપર્ક કરવામાં આવ્યો. તો આવો, આપણાં મૂળ ગુજરાતી પાસેથી જ જાણીએ ઇઝરાયલની હાલની પરિસ્થિતિ વિશે…
‘અત્યારે તો સલામત છીએ, પણ ક્યાં સુધી, એ નક્કી નહીં’
અમે પહેલાં તો સોનાલીને પૂછ્યું કે, ‘ત્યાં બહાર કેવી પરિસ્થિતિ છે? તમે સહી સલામત છો?’ સોનાલી કહે, ‘અત્યારે તો સલામત છીએ, પણ ક્યાં સુધી, એ ન કહી શકીએ. ગમે ત્યારે અહીં મિસાઈલ આવી શકે છે. (સોનાલી ઘરની બારી પાસે જઈને અમને બતાવે છે) જુઓ, આ જે પ્લેન દેખાય છે, એ એરફોર્સનાં છે. 24 કલાક એરફોર્સનું સિટીમાં પેટ્રોલિંગ ચાલુ છે. આટલા વર્ષોમાં ક્યારેય સિટી પર અમે આવું પેટ્રોલિંગ થતું નથી જોયું. ડર તો લાગે જ છે, પણ અહીં રહેતા ગુજરાતીઓ અમે એકબીજાના સંપર્કમાં છીએ, એકબીજાને હિંમત આપતા રહીએ છીએ. પણ અમને ઇઝરાયલની સરકાર પર ભરોસો છે, કે એ લોકો અમને કંઈ જ થવા નહીં દે. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે અમારે બહાર નથી નીકળવાનું. જો બહાર નીકળીશું તો મુશ્કેલી થઈ શકે છે, જ્યાં સુધી ઘરમાં છીએ, ત્યાં સુધી કોઈ જ મુશ્કેલી નથી.’
7 ઓક્ટોબર, શનિવાર
યુદ્ધની શરૂઆત
જ્યારે યુદ્ધની શરૂઆત થઈ ત્યારે તમે ક્યાં હતાં અને તમને ખબર શી રીતે પડી? સોનાલીએ ગંભીર અવાજે એ કાળમુખા દિવસની વાતની શરૂઆત કરી, ‘ઈન્ડિયામાં રવિવારે રજા હોય એ રીતે ઇઝરાયલમાં શનિવારે રજા હોય. 7 તારીખે શનિવાર હતો તો વીકેન્ડના કારણે સવારમાં બધા સૂતા હતા. સવારના 6:30 વાગ્યા હતા અને અચાનકથી સાયરન વગવાનું શરૂ થયું. હું ઊઠી ગઈ. મારી સાથે એક ઇઝરાયલનાં જ દાદી રહે છે, તો મેં એમને વાત કરી કે, શું થયું છે? આ સાયરન કેમ વાગે છે? તેઓ કહે, ખબર નહીં, હમણાં ઘણા સમયથી કશું થયું નથી, તો એ લોકો ખાલી ચેક કરતાં હશે કે, બધું બરોબર ચાલે છે કે નહીં. આટલી વાત શરૂ હતી ત્યાં એ દાદીના છોકરાનો ફોન આવ્યો કે, તમે લોકો સુરક્ષિત છો ને? ગાઝા બોર્ડર તરફથી હુમલો થયો છે અત્યારે, તમારું ધ્યાન રાખજો. મેં તુરંત જ ઘરના બધા જ બારી-દરવાજા બંધ કરી દીધા અને ધરની નીચેના બંકરમાં આવી ગયાં. ત્યારથી આવી જ પરિસ્થિતિ શરૂ છે.’
‘જો તમે બહાર નીકળો તો પરત આવો કે નહીં એની ગેરંટી નહીં’
સોનાલી ત્યાંની પરિસ્થિતિ વિશે આગળ જણાવે છે, ‘હાલમાં સરકાર અમને સતત સેફટી મેસેજ આપતી રહે છે. ઉપરાંત અમારા ડોક્યુમેન્ટ અને પૈસા વગેરે સાથે રાખવા જ કહ્યું છે. ઉપરાંત ટીવી પર પણ 24 કલાક ન્યૂઝ ચાલુ જ છે. આટલા દિવસે પહેલી વાર ગઈ કાલે રાતે અમે શાંતિથી સૂઈ શક્યાં, બાકી તો રાતે પણ સાયરન શરૂ થાય છે. છતાં કશું જ નક્કી નથી કે ક્યારે અમારા ઘર પાસે ધડાકો થાય. ઈન્ડિયામાં લોકડાઉન હતું, એવી જ સ્થિતિ અહીં છે, કોઈને ઘરની બહાર નીકળવાની જ મનાઈ છે. અહીં તો જો તમે બહાર નીકળો તો પરત આવો કે નહીં એની કોઈ ગેરંટી પણ નથી. બહાર ઇમરજન્સી માટે કોઈ કોઈ દુકાનો અને બધી હોસ્પિટલ ખુલ્લાં છે. બાકીનું બધુ જ બંધ. અમારી વાત કરીએ તો અત્યારે અમારી પાસે 1 મહિનો ચાલી શકે એટલો જમવાનો સ્ટોક છે. જો મેડિકલ ઇમરજન્સીની જરૂર પડે તો, અહીં દરેકના ઘરમાં એક ઇમરજન્સી બટન આપેલું છે. જે દબાવીએ એટલે તુરંત જ ડૉક્ટર અમારા ઘરે પહોંચી જાય છે.’
‘ભાગું તો મારી ભોમકા લાજે, મરી જઈશ પણ ભાગીશ નહીં’
જ્યારે રશિયા-યુક્રેનનું યુદ્ધ થયું ત્યારે બધા ભારતીયો ભારત આવી ગયા હતા. તો અત્યારે સોનાલીને ભારત આવવાની ઈચ્છા ખરી? સોનાલી કહે છે, ‘ના, બિલકુલ નહીં, અત્યારે તો નહીં જ. અમે અત્યારે અહીં ઓલ્ડ એજેડ લોકોને સાચવવાની જોબ કરીએ છીએ. આ પરિસ્થિતિમાં જો અમે આ બધું મૂકીને ત્યાં આવતા રહીશું તો આ લોકોને કોણ સાચવશે? એટલે હજુ સુધી તો મને એવો વિચાર જ નથી આવ્યો કે, હું ઈન્ડિયા આવી જઉ. આજે જ મારા ગુજરાતના એક ફ્રેન્ડનો ફોન હતો. એણે પૂછ્યું કે, તારે પાછું આવી જવું છે? મેં એને પણ કહ્યું હતું કે, ‘ભાગું તો મારી ભોમકા લાજે, મરી જઈશ પણ ભાગીશ નહીં.’ આપણને જેટલો આપણાં મા-બાપ પર ભરોસો હોય એટલો જ ભરોસો અમને ઇઝરાયલ સરકાર પર છે. ઇઝરાયલની સરકાર અમને કંઈ જ નહીં થવા દે. એ લોકો અમારી સુરક્ષા માટે પૂરા તૈયાર છે. ’
‘ઇમરજન્સીમાં ભગવા માટે સામાનમાં ફક્ત આ 2 વસ્તુ જ રાખી છે’
યુદ્ધના કારણે જો ઘર છોડીને જવાની નોબત આવે તો શું શું તૈયારીઓ કરી રાખી છે? એ વિશે સોનાલી જણાવે છે કે, ‘જો એવી પરિસ્થિતિ થાય તો એના માટે મેં ફક્ત પાસપોર્ટ વગેરે ડોક્યુમેન્ટ અને પૈસા જ સાથે રાખ્યા છે. બાકીનું બધું તો બહારથી પણ મળી રહેશે, પણ ડોક્યુમેન્ટ અને આ પૈસા બહારથી નહીં મળી શકે. એટલે એ બધું જ મેં એક બેગમાં તૈયાર કરીને રાખ્યું છે. અરે એ તો છોડો, બુટના બદલે પણ ચપ્પલ રાખ્યાં છે. કેમ કે જો ભાગવાની નોબત આવે તો, બુટ પહેરવા માટે પણ 1 મિનિટ જેટલો સમય ન બગડે, ચપ્પલ પહેરીને સીધું જ ભાગવાનું. ઉપરાંત જો અત્યારે કોઇની પાસે જમવાનો સમાન ખૂટ્યો તો આર્મીવાળા એ પણ ઘરે ઘરે આપી જાય છે.’
શું તમે જાણો છો ઈઝરાયલની ‘આયર્ન ડોમ’ સિસ્ટમ વિશે?
વચ્ચે વાત કરતાં કરતાં સોનાલી જણાવે છે કે, ‘અહીં ઈઝરાયેલમાં આયર્ન ડોમ સિસ્ટમ છે, જેનાથી કોઈ જ મિસાઈલ કે બોમ્બ અહીં ઇઝરાયલની જમીન સુધી પહોંચી જ નથી શકતા. આયર્ન ડોમ એ આખા ઇઝરાયલની ઉપર વાતાવરણમાં છે. જ્યારે કોઈ પણ મિસાઈલ ઇઝરાયલના વાતાવરણમાં એન્ટર કરે એટલે આયર્ન ડોમ એક્ટિવ થઈ જાય અને આયર્ન ડોમમાં અડતા વેંત જ ત્યાંને ત્યાં બ્લાસ્ટ થઈ જાય છે. નીચે આવે છે તો ફક્ત એ ફૂટેલી મિસાઈલના સળગતા પાર્ટ અને મિસાઈલનો કચરો. આયર્ન ડોમમાં જે જગ્યાએ મિસાઈલ ટચ થઈ હોય એ પોઈન્ટની નીચેના 5 કિલોમીટરના વિસ્તારમાં બધાના ઘરે સાયરન વાગી જાય.’ અમને તરત જ સવાલ થયો કે, જો મિસાઈલ નથી આવતી, તો આટલું બધું નુકસાન કઈ રીતે થાય છે? સોનાલી જણાવે છે, ‘હમાસના આતંકીઓ હાલમાં ઇઝરાયલમાં ઘૂસી ગયા છે, એ પણ પેરાશૂટથી… તો એ લોકો ઇઝરાયલમાં રહીને જ ઇઝરાયલમાં હુમલાઓ કરે છે, બોમ્બ બ્લાસ્ટ કરે છે, ફાયરિંગ કરે છે.’
‘એ સમયે ઈન્ડિયાના ઘરના બધા સભ્યો યાદ આવી ગયા’
સોનાલીને અમે પૂછ્યું કે, ઈઝરાયલમાં અત્યારે આવી પરિસ્થિતિ છે તો, તમારા ઘર પાસે કેવું છે? સોનાલી ત્યાંની પરિસ્થિતિ વિશે જણાવે છે કે, ‘7 તારીખે સાંજે 8 વાગ્યે જે હુમલો થયો એ અમારા સિટીમાં જ હતો. એ પરિસ્થિતિ અમારા માટે સૌથી વધારે ખતરનાક હતી. અમારા સિટીમાં હુમલાઓ થતા હતા અને અમને સંભળાતા હતા. અમે બધા જ ડરી ગયા હતા. ત્યારે એક વાર ઈન્ડિયાના બધા જ ફેમિલી મેમ્બર નજર સામે આવી ગયા હતા. એક વાર તો એવો વિચાર પણ આવ્યો કે, જો કંઈ થઈ ગયું તો ઈન્ડિયામાં બધા ફેમિલી મેમ્બરોનું શું થશે? ઈન્ડિયામાં જો આવું કંઈ થાય તો બધાનો મેન્ટલ સપોર્ટ મળી રહે, પણ અહીં તો એકલાં છીએ, કોઈનો સપોર્ટ પણ ન મળે. એકલતા ખૂબ જ નડે, કોઈ સાથે બોલવાવાળું નથી. ત્યાં ખાલી લાઇટ પણ જાય તો પણ પાડોશી આવી જાય, અહી બોમ્બ ફૂટે તો પણ કોઈને ન કહી શકો.’
‘જો જરૂર પડી તો હું યુદ્ધમાં ઊતરવા માટે પણ તૈયાર છું’
દરેક દેશના નાગરિકોને નિયમ હોય છે કે, જો ક્યારેય કટોકટી અથવા યુદ્ધની પરિસ્થિતિ આવે તો એ નાગરિકોએ પણ યુદ્ધમાં ઊતરવાનું હોય છે અને દેશની રક્ષા કરવાની હોય છે. અમે સોનાલીને પૂછ્યું કે, જો જરૂર પડે તો તમે યુદ્ધ માટે તૈયાર છો? સોનાલી કહે, ‘અહીં ઇઝરાયલમાં દરેક નાગરિકોએ આર્મી ટ્રેનિંગ મેળવેલી હોય છે. અહીંના યુવાનોને ગ્રેજ્યુએશન ચાલુ થાય એના પહેલાં 5 વર્ષ અને યુવતીઓને 6 વર્ષ સુધી ફરજિયાત ટ્રેનિંગ લેવી પડતી હોય છે. એટલે એ લોકો કોઈ પણ સમયે યુદ્ધમાં ઊતરવા માટે તૈયાર હોય છે, ફક્ત એક ઓર્ડરની રાહ હોય છે. આપણે એ કોઈ ટ્રેનિંગ પણ ન મેળવી હોય અને અહીંના નાગરિક પણ નથી, તો એ લોકો અમને યુદ્ધમાં ઊતરવા માટે કહે જ નહિ. પણ છતાં જો એવી પરિસ્થિતિ આવી તો હું યુદ્ધમાં ઊતરવા માટે પણ તૈયાર છું.’
‘એ સાયરન નહીં, અમારા માટે ‘ખતરે કી ઘંટી’ છે’
સોનાલીએ જણાવ્યું એ મુજબ કોઈ પણ સમયે હુમલા થાય છે. તો આ પરિસ્થિતિમાં જો અચાનક હુમલો થાય તો પોતાને બચાવવા કઈ રીતે? એ વિશે સોનાલી જણાવે છે કે, ‘જો એવી પરિસ્થિતિ સર્જાય તો અમારા દરેકના ઘરમાં અત્યારે બંકરની વ્યવસ્થા છે. (સોનાલી પોતાના ઘરનું બંકર બતાવે છે, બંકરની સાઇઝ મુજબ આરામથી 8-10 લોકો ઊભા રહી શકે છે.) જ્યારે પણ સાઇરન વાગે એટલે અમારે દરેક લોકોએ બંકરની અંદર જતું રહેવાનું. બંકરની અંદર હોઈએ ત્યારે કોઈ હુમલો થાય કે મિસાઈલ ફૂટે તો પણ અમને કશું જ નુકસાન ન થાય. ઉપરાંત જેના ઘરમાં બંકરની સુવિધા ન હોય એ લોકો માટે સીડી(દાદર) પાસે બંકરની સુવિધા છે. એ લોકોએ ઇમરજન્સીમાં ત્યાં આવી જવાનું રહે છે.’
જ્યારે યુદ્ધ થાય ત્યારે એ દેશની સરકારનું પહેલું કર્તવ્ય હોય છે, નાગરિકોની સલામતીની જવાબદારી… એ બાબતે ઇઝરાયલની સરકાર હાલમાં ખરી ઊતરી છે. ઇઝરાયલ વિશે વાત કરતાં સોનાલી જણાવે છે કે, ‘અમને ઇઝરાયલ પર પૂરો ભરોસો છે, એ લોકો અમને કંઈ જ થવા નહીં દે. ઇઝરાયલની સરકાર નાગરિકોની સુરક્ષા માટે પૂરી કટિબદ્ધ છે. એ બાબતે અમને એમના પર થોડી પણ શંકા નથી. અરે એ બધું છોડો, ઉનાળામાં તો આ લોકો અમને પાણી પીવા માટે પણ મેસેજ કરે છે, અમારી હેલ્થનું આટલું ધ્યાન રાખતી સરકાર આવી યુધ્ધની પરિસ્થિતિમાં અમને બચાવી જ લેશે, એટલો તો ભરોસો છે.’