AMCના પદાધિકારીઓના અઢી વર્ષના લેખા જોખા: અમદાવાદના મેયર એક પણ દિવસ બંગલામાં રહેવા ગયા નહીં, તો ડે. મેયર રોડ કપાત મુદ્દે ભેખડે ભરાયા
અમદાવાદ મનપાના સત્તાધીશોની અઢી વર્ષની ટર્મ 9 સપ્ટેમ્બરના રોજ પૂરી થવા જઇ રહી છે. ત્યારે આ અઢી વર્ષની ટર્મ દરમિયાન અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક એમ પાંચ પદાધિકારીઓ કોઇ મોટા વિવાદમાં આવ્યા નથી. તો આ પદાધિકારીઓ શહેર માટે કેટલાક આવકારદાયક નિર્ણય લીધા તો કેટલાક પદાધિકારીઓ આ દરમિયાન જનતાના રોષનો ભોગ પણ બન્યા. તો આવો જોઇએ કે અમદાવાદના મનપાના પાંચ પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મના લેખા જોખા.
કિરીટ પરમારે એકદમ સાદા મેયર તરીકેની ઓળખ ઊભી કરી
ચાલુ વર્ષની ટર્મ દરમિયાન અમદાવાદના મેયર કિરીટ પરમારે એકદમ સાદા મેયર તરીકેની ઓળખ ઊભી કરી છે. શહેરના પ્રથમ નાગરિકને રહેવા માટે મેયર બંગલો મળતો હોય છે પરંતુ મેયર કિરીટ પરમાર પોતાની ટર્મ દરમિયાન એક પણ વખત મેયર બંગલામાં રહેવા ગયા નથી. તેઓ પોતાના સરસપુર વિસ્તારના ચાલીના જ મકાનમાં રહ્યા છે. ચૂંટણી દરમિયાન તેમણે પોતાની સરકારી ગાડી જમા કરાવી હતી ત્યારે તેઓ બેથી ત્રણ વખત બસમાં અને ભાજપ કાર્યકરના બાઈક ઉપર બેસીને મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આવ્યા હતા.
વિપક્ષે મેયર કિરીટ પરમારને મૂંગા મેયર તરીકે સંબોધ્યા
મેયર કિરીટ પરમાર સતત લોકોની સાથે જોડાયેલા રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત તેઓની હાજરી જોવા મળી છે. રોજ બપોરે 3 વાગ્યા બાદ તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં શહેરના નાગરિકોને મળતા હતા. મેયરના જ્યારે વિદેશ પ્રવાસની વાત છે ત્યારે તેઓએ પોતે વિદેશ પ્રવાસ નહીં કરે તેવી વાત કરી હતી. પ્રથમ બે વર્ષમાં ત્રણેક વખત વિદેશ પ્રવાસ જવાનું હોવા છતાં પણ તેઓએ ટાળ્યું હતું. જોકે છેલ્લા છ મહિનામાં તેઓ વિદેશ પ્રવાસ જવા માટે તૈયાર થઈ ગયા હતા અને બે વખત તેઓ વિદેશ પ્રવાસ જઈ આવ્યા છે. વિપક્ષ મેયર કિરીટ પરમારને મૂંગા મેયર તરીકે સંબોધતુ હતુ. કારણ કે જ્યારે પણ મેયરને તેઓ આવેદનપત્ર આપતા હતા ત્યારે મેયર તેઓ સામે કોઈ જવાબ આપતા નહોતા માત્ર આવેદનપત્ર સ્વીકારી લેતા હતા અને તેઓની રજૂઆત સાંભળી લેતા હતા.
ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ જનતાના રોષનો ભોગ બન્યા
ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલની ટર્મ દરમિયાન તેમના મતવિસ્તાર નારણપુરામાં રોડ કપાતનો મુદ્દો સામે આવ્યો હતો. નારણપુરા રેલવે ક્રોસિંગથી લઈને AEC ચાર રસ્તા સુધી નારણપુરાના રોડ ઉપર બંને તરફ કપાત માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. જેના પગલે નારણપુરાના સ્થાનિકો દ્વારા બેનરો લગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. વિવાદ સામે આવતા ડેપ્યુટી મેયરે જે તે સમયના ધારાસભ્ય કૌશિક પટેલ સાથે સ્થાનિકોની મિટિંગ બોલાવી વિવાદ શાંત કરાવ્યો હતો. જોકે ચૂંટણી બાદ ફરીથી આ જ રીતે એસ્ટેટ વિભાગની નોટિસ બાદ દબાણની ગાડીઓ પહોંચી જતા સ્થાનિકોએ દુકાનો બંધ રાખી હોબાળો કર્યો હતો. બાદમાં કપાત નહીં કરવા અંગેનો નિર્ણય લેવામાં આવતા વિવાદ શાંત થયો હતો.
બે મોટા વિવાદનો ધારાસભ્ય સાથે મળીને ડેપ્યુટી મેયરે સુખદ અંત લાવ્યો
નારણપુરા AEC ચાર રસ્તા પાસે આવેલા પ્લોટમાં બિલ્ડિંગ મટીરીયલ નાખવા માટેની ડમ્પ સાઈટ બનાવવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી બિલ્ડિંગ મટીરીયલનો કચરો નાખવામાં આવતા ધૂળ ઉડતી હતી. જેના પગલે સ્થાનિકોએ રોડ ઉપર આવી આંદોલન કર્યું હતું. ચાર રસ્તા પાસે રોડ બંધ કરી ટ્રાફિકજામ કરી દીધો હતો. જેના પગલે ડેપ્યુટી મેયર સહિતના કોર્પોરેટરો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે તે સાઇટને બંધ કરાવવામાં આવી હતી. કાર્યકાળ દરમિયાન પોતાના વોર્ડમાં બે મોટા વિવાદ ઉભા થયા હતા જેનો સ્થાનિક ધારાસભ્ય સાથે મળીને ડેપ્યુટી મેયરે સુખદ અંત લાવ્યો હતો.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મનપા પ્રભારી વચ્ચે વાદવિવાદ સામે આવ્યો હતો
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સર્વોચ્ચ કમિટી સ્ટેન્ડિંગ કમિટી ગણાય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી ખૂબ જ મહત્વની હોય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટના અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે બજેટ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી મોટા પ્રોજેક્ટ તરીકે પૂર્વ વિસ્તારના ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. જે પ્રોજેક્ટને શરૂ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ કરોડો રૂપિયાના વિકાસના કામો ગાંધીનગર લોકસભા, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભામાં મંજૂર કરી અને તેના કામ શરૂ કરાવવામાં સફળ રહ્યા છે. જોકે ચાલુ ટર્મ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી વચ્ચે વાદવિવાદ સામે આવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે તેમનો કાર્યકાળ પૂરો થાય છે તેના એક અઠવાડિયા પહેલા જ તેઓએ પોતાની સરકારી ગાડી પણ જમા કરાવી દીધી હતી.
કોર્પોરેટરો સામે શિસ્તના પગલાં અને તેમને સમજાવવાની જવાબદારી ભાસ્કર ભટ્ટે નિભાવી
શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની જવાબદારી ભાજપના તમામ 160 કોર્પોરેટરોની હોય છે. ભાજપના કોર્પોરેટરો ચાલુ ટર્મ દરમિયાન અનેક વખત વિવાદમાં આવ્યા છે જેમાં કોર્પોરેટર પર પોલીસ ફરિયાદોથી લઈને જાહેરમાં કોઈ વ્યક્તિ સાથે ઝઘડો કે વગેરે કરવામાં આવતું હોય ત્યારે કોર્પોરેટરો સામે શિસ્તના પગલાં અને તેમને સમજાવવાની જવાબદારી ભાસ્કર ભટ્ટની હતી. પોતાના કાર્યકાળ દરમિયાન ભાસ્કર ભટ્ટે પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી હતી.
અટલબ્રિજના ઉદ્ઘાટનમાં હાજર ન રહેલા કોર્પોરેટરોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો
AMCમાં દંડકનો કોઈ ખાસ રોલ જોવા મળતો નથી. પરંતુ ચાલુ વર્ષની ટર્મ દરમિયાન અરુણસિંહ રાજપૂત વિપક્ષના આકરા પ્રહારનો વળતો જવાબ આપતા નજરે પડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલબ્રિજનું ઉદ્ઘાટન કર્યું ત્યારે તમામ કોર્પોરેટરોને હાજર રહેવા માટે સૂચના અપાઇ હતી. આ કાર્યક્રમમાં કેટલાક કોર્પોરેટરો હાજર રહ્યા નહોતા તેમને અરૂણસિંહ રાજપૂતે નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો હતો.